મા તારા ગુણગાતા આંખમા આસું આવે,
અણમોલ અખુટ પ્રેમ ધારા યાદ આવે,
મા ની મમતા વગર દુનિયા છે અધુરી,
પ્રભુની પે’લા મારી મા ની યાદ આવે.

“देखकर दिलकशी जमाने की, आरजू है फिर धोखा खाने की.
ऐ ग़मे जिंदगी तू नाराज न हो, हमें तो आदत है मुस्कुराने की.”

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. 

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?